મેઘમહેર: રાજ્યના આ વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ, તમારા વિસ્તારમાં કેવો વરસાદ છે?

Weather

રાજ્યમાં સાર્વિત્રિક વરસાદ જોવા મળી રહ્યો છે. જુલાઈ મહિનાના પ્રથમ અઠવાડિયામાં જ મેઘરાજા ખુશ થયા હોય એવું લાગી રહ્યું છે. અનેક વિસ્તારોમાં મેઘમહેર શરૂ થઈ છે. તો આગામી દિવસોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે. તો બીજી તરફ કેટલીક જગ્યાએ ઘોડાપૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ત્યારે આવો જાણીએ રાજ્યમાં ક્યાં કેટલો વરસાદ વરસ્યો તેના વિશે..

મળતી વિગતો અનુસાર અત્યાર સુધીમાં રાજ્યના સૌરાષ્ટ્રમાં સૌથી વધારે વરસાદ વરસ્યો છે. જેમાં દેવભૂમિ દ્વારિકામાં 4 ઇંચ અને દ્વારિકાના કલ્યાણપુરમાં 6 ઇંચ વરસાદ ખાબક્યો છે. સાબરકાંઠામાં મોસમના પહેલા વરસાદમાં જ હાથમતી નદીમાં પૂર આવ્યું છે. દાંતમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે તો ડીસા પાલનપુરમાં પણ મેઘરાજાનું સ્વાગત થઈ ગયું છે.

અંબાજી દાંતામાં ભારે વરસાદ પડતા કેટલાક લોકો ઘર વિહોણા બન્યા હતા. તો પવન સાથે ધોધમાર વરસાદ પડતા લોકો બેહાલ બન્યા હતા. ગીર ભારે વરસાદ વરસાદ ગિરનારનો આહ્લાદક નજારો જોવા મળ્યો છે. તો ગીર જંગલની પ્રકૃતિ ખીલી ઉઠી છે. જૂનાગઢ શહેરમાં મેઘરાજા મહેરબાન થતાં 4 ઇંચ વરસાદ વરસ્યો છે. તો ખેડબ્રહ્મા અને તલોદમાં દોઢ ઇંચ વરસાદ થયો.

રાજકોટમાં મેઘમહેર થતાં સાડા ચાર ઇંચ વરસાદ વરસ્યો છે. પોરબંદરના કુતિયાણામાં પણ મેઘરાજાએ રમઝટ બોલાવી છે. જૂનાગઢના માંગરોળમાં સિઝનનો સારો વરસાદ વરસ્યો છે. જૂનાગઢના મેંદરડામાં સાડા ત્રણ ઈંચ વરસાદ પડ્યો છે જ્યારે દેવભૂમિ દ્વારકાના ખંભાળિયામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. કચ્છના માંડવી અને બોટાદના ગઢડામાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે.

રાજકોટ શહેરમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. શહેરના અનેક વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. શહેરના 150 ફૂટ રિંગરોડ, મહુડી રોડ, રૈયા રોડ, આજ્ઞિક રોડ, ઢેબર રોડ, કેનાલ રોડ સહિત વિસ્તારમાં પાણી ભરાતા લોકો પરેશાન થયા હતા. બીજી તરફ ધોધમાર વરસાદના પગલે મવડી બ્રિજ નીચે ગોઠણસમા પાણી ભરાયા હતા.

સૌરાષ્ટ્રના ગીર-સોમનાથના કોડિનાર અને સુત્રાપાડામાં જાણે કે આભ ફાટ્યું હોય તેમ 6-6 ઇંચથી વધારે વરસાદ ખાબકી ગયો છે. જામનગર તાલુકાના વસાઇ અને લાખાબાવળમાં 1 ઇંચ, મોટી બાનુગારમાં 3 ઇંચ, ફલ્લામાં 2 ઇંચ, દરેડમાં 1 ઇંચ, જોડીયાના હડીયાણામાં 3 ઇંચ, ધ્રોલના લતીપુરમાં 2 ઇંચ, કાલાવડના નીકાવાના અને ખરેડીમાં પોણો પોણો ઇંચ વરસાદ ખાબક્યો છે.

ખંભાળિયામાં વરસાદ ખાબક્યો છે. ત્યારે શહેરને પાણી પૂરું પાડતા ઘી ડેમમાં છેલ્લા બે દિવસના વરસાદ બાદ આશરે એક ફૂટ જેટલું નવું પાણી આવતા ડેમમાં પાણીની જીવંત સપાટી 12 ફૂટ સુધી પહોંચવા પામી છે. નવાગામમાં 1 ઇંચ, મોટા પાંચદેવદામાં 2 ઇંચ, જામજોધપુરના શેઠવડાલા અને જામવાડીમાં પોણો પોણો ઇંચ, ધ્રાફામાં સવા બે ઇંચ અને લાલપુરના પીપરટોળામાં દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે.

ગઈકાલે ભાણવડ પંથકમાં મેઘરાજાએ કંજૂસાઈ કરી હોય તેમ છેલ્લા 24 કલાક દરમિયાન માત્ર સાત મીલીમીટર વરસાદ વરસ્યો હતો. તો અમદાવાદ ગાંધીનગર સહિતના વિસ્તારમાં વરસાદની ઘટ વર્તાઈ રહી છે. ઉપરાંત રાજ્યના કેટલાક વિસ્તારો એવા પણ છે જ્યાં હજુ વાવણી પણ થઈ નથી. તમારા વિસ્તારમાં વરસાદ વરસ્યો કે નહિ? કેવો અને કેટલો વરસાદ વરસ્યો જણાવો.

Leave a Reply

Your email address will not be published.