રાજ્યભરમાંથી છાશવારે આપઘાતના કિસ્સા સામે આવતા હોય છે. કેટલાક લોકો આર્થિક સંકળામણને કારણે તો કેટલાક લોકો શારીરિક કે માનસિક હેરાન ગતિને કારણે આવા પગલાં ભરે છે. હાલ રાજકોટમાંથી આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. રાજકોટના જુના અને જાણીતા પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિકે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે.
રાજકટની જાણીતી રેસ્ટોરન્ટ પટેલ વિહારના માલિક હસમુખભાઈ પાંચાણીએ મંગળવારે વહેલી સવારે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. હસમુખભાઈએ પોતાના ઘરે જ ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું હોવાનું સામે આવ્યું છે. તેઓ રાજકોટના માલવીયાનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા આકાશ સ્કવેર એપારમેન્ટમાં રહે છે.
મળતી માહિતી અનુસાર હસમુખભાઈ અને તેમના પત્ની રાત્રે રૂમમાં એક સાથે સુતા હતા. વહેલી સવારે તેમના પત્નીને આંખ ખુલી જતા તેમણે પોતાના પતિને જોયા નહીં. જેથી શોધતા તેઓ હોલમાં ગયા ત્યારે હમુખભાઈને ફાંસો ખાધેલી હાલતમાં જોયા. જેથી તેમણે આ અંગે પરિવારજનોને જાણ કરી.
ઘટના અંગે જાણ થતા માલવીયાનગર પોલીસ પણ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ શરૂ કરી. સાથે જ લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવી હતી. પોર્સ્ટમોર્ટમ બાદ લાશ હસમુખભાઈના પરિવારજનોને સોંપવામાં આવી અને પોલીસ આગળની કાર્યવાહી હાથ ધરી.
હસમુખભાઈને ત્રણ દીકરા છે. મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક સમયથી પટેલ વિહાર રેસ્ટોરન્ટના માલિક હસમુખભાઈ ભાયું ભાગ અને આર્થિક સંકળામણને કારણે ચિંતામાં રહેતા હતા. જેથી તેમણે માનસિક તણાવને કારણે આવું પગલું ભર્યું હોવાનું અનુમાન લગાવવમાં આવ્યું છે. જો કે આ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.