ભારે વરસાદનો ખતરો, આ જિલ્લામાં કલેક્ટરે લોકોને બની શકે તો ઘરે જ રહેવા કરી અપીલ

Weather

રાજ્યમાં છેલ્લા એક સપ્તાહથી મેઘરાજાએ રમઝટ બોલાવી છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં અવરિત વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હજુ પણ આગામી 12 જુલાઈ સુધી રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો ભારે વરસાદની આગાહીને પગલે તંત્ર પણ સજ્જ થયું છે.

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ સારો વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યમાં દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફની ટીમ તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત નીચાણવાળા વિસ્તારોને પણ એલર્ટ કરાયા છે.

ઉલ્લેખનીય છે કે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા ભારે વરસાદ વરસી રહ્યો છે. જેને લઇ જન જીવન અસ્ત-વ્યસ્ત થયું છે. ભારે વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. તો દ્વારિકામાં આગામી દિવસોમાં હજુપણ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ જો જરૂર પડે તો નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને અન્ય સ્થળે ખસેડવાની તૈયારીમાં તંત્ર છે.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. દ્વારિકામાં પણ વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દ્વારિકાના કલેક્ટર મુકેશ પંડ્યાએ જણાવ્યું કે જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે લોકો નદીના પટમાં કે કોઝવે પરથી પાણી પસાર થતુ હોય ત્યારે અવરજવર ન કરે. ઉપરાંત બને ત્યાં સુધી કામ સિવાય ઘરની બહાર ન નીકળે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.

મહત્વનું છે કે હવામાન વિભાગે 9 જુલાઈએ કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપીમાં વરસાદની આગાહી કરી છે. તો 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી,રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે સુરતમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આગામી 11 જુલાઇએ રાજ્યમાં સાર્વત્રિક વરસાદ વરસશે. તો 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં ચક્રવાત સાથે ભારે વરસાદની આગાહી અપાઇ છે. તો આ બે વિસ્તારોમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Your email address will not be published.