નૈઋત્યના ચોમાસાએ ગુજરાતને ઘમરોળ્યું, ભારે વરસાદની આગાહીને પગલે આ બે જિલ્લાઓમાં રેડ એલર્ટ

Weather

ગુજરાતમાં ચોમાસું બરાબર જામ્યું છે. ક્યાંક ધીમીધારે તો ક્યાંક ધોધમાર વરસાદ વરસ્યો છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાતના વરસાદની જો વાત કરીએ તો સુરત, તાપી, નવસારીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થયા છે.

રાજ્યમાં મેઘરાજાએ જમાવટ કરી છે. મોટા ભાગના વિસ્તારો પાણી પાણી થયા છે. ત્યારે હવામાન વિભાગની આગાહીને પગલે દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો. સુરતમાં મેઘરાજાએ જમાવટ કરી છે. તો બારડોલીમાં ભારે વરસાદને પગલે ગરનાળામાં પાણી ભરાયા. બારડોલી નગર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસતા ડી.એન નગર ખાતે ઘુટણ સમાં પાણી ભરાયા હતા.

હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં પણ મેઘરાજાએ જમાવટ કરી છે. ઉધના, વરાછા, કતારગામ, કામરેઝ, ઓલપાડ સહિતના વિસ્તારમાં મેઘમહેર શરૂ થઇ છે. સુરતમાં સવારથી મેઘરાજા મહેરબાન થાય છે. જેને પગલે ઉધના નવસારી સર્વિસ રોડ ઉપર વરસાદી પાણી ભરાતા રસ્તા પર જાણે નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા.

શહેરમાં ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા હતા. જેથી વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી હતી. તો વરસાદને પગલે ચારે કોર ઠંડુ વાતાવરણ છવાયું છે. ઠંડા વાતાવરણને કારણે શરદી, ઉધરસ અને તાવના કેસ પણ સામે આવી રહ્યા છે.

તાપી જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર જોવા મળી. નિઝર અને કુકરમુંડા તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો. ભારે વરસાદથી ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી. તો બીજી તરફ તાપીના નિઝરમાં અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નીચાણવાળા માર્ગો સહિત રોડ રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો અટવાયા હતા.

નૈઋત્યનું ચોમાસુ આખા ગુજરાતને ઘમરોળી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા બે જિલ્લાઓમાં રેડ એલર્ટ આપવમાં આવ્યું છે. મીડિયા અહેવાલ મુજબ હવામાન વિભાગે અમદાવાદમાં અને જામનગર જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જેના પગલે જિલ્લામાં આવેલ ડેમ અને તળાવો ઓવરફ્લો થવાની શક્યતા રહેલી છે. આ બે જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે.

રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં નોંધપાત્ર વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ કચ્છના લખપતમાં 11 ઈંચ વરસાદ, કપરાડામાં પોણા 9 અને ધરમપુરમાં પોણા 8 ઈંચ વરસાદ નોંધાયો છે. રાજ્યના 20 તાલુકામાં 5 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે, જ્યારે 30 તાલુકામાં 4 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે અને 48 કલાકમાં 3 ઈંચથી વધારે વરસાદ નોંધાયો છે.

Leave a Reply

Your email address will not be published.