ગણતરીની કલાકોમાં જ 6 ઇંચ વરસાદ, ગુજરાતના આ વિસ્તારોમા બારેમેઘ ખાંગા

Weather

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. સમગ્ર ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધૂંઆધાર વરસાદ વરસી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ દ્વારા હજુ પણ આગામી પાંચ દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તો આ સાથે જ આગામી ચાર દિવસ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે નવસારી અને વલસાડમાં અતિભારે વરસાદની શક્યતા છે.

મહત્વનું છે કે હવામાન વિભાગે આગામી 12 જુલાઇએ કચ્છમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. આ સાથે જ સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદ થશે. હવામાન વિભાગે 12 જુલાઇએ સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ જારી કર્યા છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો બીજી તરફ વઘઈમાં 6.4 ઇંચ વરસાદ ખાબક્યો છે.

સમગ્ર ગુજરાતમાં વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે ગત 24 કલાકમાં રાજ્યમાં 193 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ ધરમપુર, વાંસદા, ચિખલી, કપરાડા, ખેરગામ, આહવા અને ઉમરપાડામાં નોંધાયો છે. તો સંખેલા, ઉચ્છલ, મુંદ્રા, પારડી, વાપી, તિલકવાડા, વલસાડ, ગરૂડેશ્વર, ડોલવણ તથા સોજિત્રા સહિતના વિસ્તારોમાં એક ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે.

ઉલ્લેખનીય છે કે 11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. જ્યારે ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપીમાં 4થી લઈ 8 ઈંચ વરસાદ વરસી શકે છે. તો 12 જુલાઈએ જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. ભારે વરસાદની આગાહીને પગલે લોકોને સાવધાન કરાયા છે.

નોંધનીય છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં 10.19 ઈંચ સાથે મોસમનો સરેરાશ 30.47 ટકા વરસાદ નોંધાયો છે. જેમાં કચ્છ જિલ્લામાં સરેરાશ કરતાં પણ ઓછો વરસાદ વરસ્યો છે. જ્યારે સૌરાષ્ટ્રમાં મોસમનો 37.62 ટકા વરસાદ અને દક્ષિણ ગુજરાતમાં 35.90 ટકા વરસાદ નોંધાયો છે. જો કે ઉત્તર ગુજરાતમાં માત્ર 5.39 ઈંચ વરસાદ નોંધાયો છે.

રાજ્યમા સાર્વત્રિક વરસાદની વાત કરીએ તો, હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે. એટલે કે હવે ચાર દિવસ સુધી રાજ્યમાં વરસાદી માહોલ રહેશે. તો આ સાથે જ કેટલીક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પણ વરસી શકે છે.

હવામાન વિભાગે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગની ભારે વરસાદની આગાહીને પગલે આગામી 4 દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. તો લોકોને પણ કામ વગર બહાર ન જવા અપીલ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published.