ગુજરાતમાં મેઘરાજા હવે મહાઆફત બનશે, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના આ વિસ્તારોમાં ખાબકશે ભારેથી અતિભારે વરસાદ

Weather

ગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. ત્યારે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હવે મેઘરાજા આફત બનશે. કારણ કે આગામી 4 દિવસ આ બંને વિસ્તારમાં એટલો વરસાદ વરસશે જે તબાહી નોતરી શકે છે. ભારે વરસાદની આગાહીને પગલે આ વિસ્તારોમાં લોકોને સાવચેત કરવામાં આવ્યા છે.

રાજ્યમાં અત્યાર સુધી મોટા ભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ વરસ્યો છે. ત્યારે મેઘરાજા હવે મજબૂત નહીં પરંતુ મહાઆફત બની શકે છે. કારણ કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં હવામાન વિભાગે આગામી ચાર દિવસ અતિભારે વરસાદની આગાહી કરી હોવાનું મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે.

ઉલ્લેખનીય છે કે આગામી ચાર દિવસ વલસાડ, નવસારી, ડાંગ, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અત્યંત ભારે વરસાદની સંભાવના છે. તો નવસારી અને વલસાડમાં વરસાદનું રેડ એલર્ટ છે. સુરત, તાપી, ડાંગ, જૂનાગઢ તથા ગીર સોમનાથમાં ઓરેન્જ એલર્ટ છે. તો 11 જુલાઈએ નવસારી, વલસાડ અને ડાંગ તથા જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, અને તાપી સહિત સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની સંભાવના છે.

સૌરાષ્ટ્ર અને કચ્છમાં 12 જુલાઈએ ચક્રવાત સાથે અતિભારે વરસાદની આગાહી છે. તો જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં 8-8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. જ્યારે પોરબંદર, રાજકોટ, ભાવનગર, ભરૂચ, સુરત, તાપી અને ડાંગમાં 4 ઇંચથી લઈને 8 ઈંચ સુધી વરસાદ વરસી શકે છે.

આગામી ચાર દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં 13 જુલાઈએ પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને વલસાડમાં 8 ઈંચથી વધુ વરસાદની સંભાવના છે. તો કચ્છ, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર અને નવસારીમાં 4થી લઈને 8 ઈંચ સુધી વરસાદની સંભાવના સાથે લોકોને સાવચેત કરાયા છે.

નોંધનીય છે કે અત્યાર સુધીમાં રાજ્યમાં સિઝનનો 28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. જેમાં કચ્છમાં સૌથી વધુ 52 ટકા, સૌરાષ્ટ્રમાં 36 ટકા, દક્ષિણ ગુજરાતમાં 31 ટકા, ઉત્તર ગુજરાતમાં 18 અને મધ્ય ગુજરાતમાં 16 ટકા વરસાદ વરસ્યો છે. ત્યારે હજુ પણ આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી છે. આ વરસાદ રાજ્યમાં તબાહી સર્જી શકે છે જેથી લોકોને કામ વગર બહાર ન જવા અપીલ કરાઇ છે.

Leave a Reply

Your email address will not be published.