મધ્ય ગુજરાતમાં મેઘરાજાએ ભુક્કા બોલાવ્યા, આ વિસ્તારમાં 16 ઇંચ વરસાદ ખાબકતા ઘરમાં પાણી ઘુસ્યા

Weather

ગુજરાતમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. સમગ્ર ગુજરાતમાં હવે ચોમાસુ જામ્યું છે. ત્યારે હવામાન વિભાગની આગાહી મુજબ મધ્ય ગુજરાતમાં અતિભારે વરસાદ વરસ્યો છે. અતિભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ છે. તો ભારે વરસાદને પગલે ઠેર ઠેર પાણી ભરાયા છે.

હવામાન વિભાગે રાજ્યમાં વરસાદની આગાહી કરી છે. ત્યારે મેઘરાજાએ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ હવે મધ્ય ગુજરાતને ઘમરોળ્યું. રવિવારે છોટાઉદેપુર જિલ્લાના બોડેલીમાં 16 ઈંચ, પાવી જેતપુરમાં 10 ઈંચ, છોટાઉદેપુરમાં 9 ઇંચ અને કવાંટમાં 8 ઇંચ વરસાદ વરસસ્યો છે. તો સાગબારામાં અને ડેડિયાપાડામાં 5-5 ઈંચ વરસાદ વરસ્યો છે.

ભારે વરસાદને કારણે પ્રતાપનગર-છોટાઉદેપુર રેલવે લાઇન પર બોડેલી-પાવી જેતપુર સ્ટેશન વચ્ચે ટ્રેક ધોવાઇ જતાં રવિવારની આવતી અને જતી પ્રતાપનગર-છોટાઉદેપુર પેસેન્જર ટ્રેન રદ કરવામાં આવી હતી. મધ્ય ગુજરાતમાં શનિવારે રાતથી મેઘરાજે ધબડાટી બોલાવી હતી. જે સતત રવિવારે પણ શરૂ રહેતા તબાહી સર્જી છે.

ગુજરાતમાં આગામી ચાર દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ત્યારે છોટા ઉદેપુરના બડોલીમાં 16 ઇંચ વરસાદ ખાબક્યો છે. જેના કારણે સર્વત્ર પાણી પાણી થઇ ગયું છે. તો ભારે વરસાદને પગલે નદી નાળાઓ પણ છલકાઈ ગયા છે. શરૂ થયેલા મેઘતાંડવને કારણે જનવજીવન પર માઠી અસર પડી છે.

ઉલ્લેખનીય છે કે પાવી જેતપુર અને બોડેલીમાં સતત ત્રીજા દિવસે વરસાદ વરસી રહ્યો છે. બોડેલીમા સતત ત્રીજા દિવસે પણ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગ કરી છે. ત્યારે ભારે વરસાદને પગલે કેટલાક વિસ્તારોમાં ઘરમાં પાણી ઘુસી ગયા છે. તો રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જતા લોકોને ભારે હાલાકી વેઠવી પડી હતી.

ભારે વરસાદને પગલે છોટાઉદેપુર જિલ્લામાં લોકો મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ઠેર ઠેર રસ્તા બંધ કર્યાં છે, ત્યારે બોડેલી-વડોદરા હાઇવે પણ બંધ કરવાની ફરજ પડી છે. ભારે વરસાદને પગલે રાજવાસના ડેમ ઓવર ફલો થઈ ગયો છે. રાજવાસના ડેમ ઓવર ફલો થતાં ખેડૂતોમાં ખુશીની લહેર ખુશીની લાગણી છવાઈ છે.

Leave a Reply

Your email address will not be published.