અમરનાથ યાત્રા કોરોનાની કપરી પરિસ્થિતિ બાદ માંડ બે વર્ષ શરુ થઈ છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તો બાબા બર્ફાનીના દર્શન કરવા માટે ઉમટી પડ્યા છે. પરંતુ ગત શુક્રવારે અમરનાથ યાત્રા દરમ્યાન વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં 16 લોકોના મોત નિપજ્યાં છે જ્યારે અન્ય કેટલાંક ઇજાગ્રસ્ત થયા છે. તો કેટલાકને કાટમાળ નીચેથી હજુ કાઢી રહ્યા છે.
આ ઘટનામાં કેટલાંક ગુજરાતીઓ પણ ફસાયા હોવાનું જાણવા મળી રહ્યું હતું. સુરતી લાલાઓ પણ બાબા બર્ફાનીના દર્શન કરવા પહોંચ્યા હતા. ત્યારે આ ઘટના સર્જાતા એક સુરતી ગ્રુપ પણ અમરનાથમાં ફસાયું હોવાનું સામે આવ્યું છે. ફસાયેલા લોકોને બચાવવા માટે 10થી વધારે આર્મીના હેલિકોપ્ટર રેસ્ક્યૂ કામમાં જોડાયા છે.
અમરનાથ યાત્રા માટે સુરતી લલાઓ પહોંચ્યા હતા. ત્યારે અચાનકથી જળપ્રલયની સ્થિતિ સર્જાતા સુરતની એક ગ્રુપ ફસાયું છે. આર્મી જવાનો દ્વારા 10 થી વધારે હેલિકોપ્ટર દ્વારા ફસાયેલા લોકોનું રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ સાથે રેસ્ક્યૂ થયેલા લોકોને ફૂડ પેકેટ અને પ્રાથમિક સુવિધા આપવામાં આવી રહી છે.
અમરનાથ યાત્રા દરમ્યાન ગત શુક્રવારે વાદળ ફાટવાની ઘટના બની હતી. જેમાં મોરબી જિલ્લાના હળવદના ચાર યુવાનો અમરનાથની યાત્રાએ ગયા બાદ વાદળ ફાટવાની ઘટના બાદ સર્પક વિહોણા બની ગયા હતા. ચારેય યુવાનો લાપતા બની જતા હળવદ રહેતા તેમના પરિવારજનો ચિંતાનો માહોલ જોવા મળ્યો હતો. જો કે બાદમાં આ ચારેય યુવાનો અમરનાથમાં હેમખેમ હોવાના સમાચાર મળ્યા હતા.
અમરનાથમાં વાદળ ફાટતાં જળપ્રલયની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનામાં મૃત્યુઆંક 16 પર પહોંચ્યો છે. ક્યારે અનેક લોકો ઘાયલ થયા છે. ત્યારે હજુ પણ કાટમાળ નીચે ફસાયેલા લોકોની શોધ ચાલુ છે. અત્યાર સુધીમાં 15,000 મુસાફરોને બચાવી લેવામાં આવ્યા છે. તો કેટલાક લોકો ગુમ થયા હોવાના કિસ્સા સામે આવ્યા છે જેમની શોધખોળ ચાલુ છે.