બંગાળની ખાડીમાં નવી વરસાદી સિસ્ટમ સક્રિય, ગુજરાતમાં હજુપણ સ્થિતિ વણસે તેવા અણસાર

Weather

ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને વલસાડ, નર્મદા અને છોટા ઉદેપુરમાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે. નદીઓના પાણી શહેરો અને ગામડામાં પણ ઘુસી ગયા છે ત્યારે રાજ્યમાં હજુપણ સ્થિતિ ખરાબ બને તેવા અણસાર દેખાઈ રહ્યા છે.

હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ વિસ્તારોમા અતિભારે વરસાદ પડી શકે છે. છેલ્લા કેટલાક દિવસથી દક્ષિણ ગુજરાતના વલસાડ શહેર અને ગામડામાં ઘરમાં પાણી ઘુસી ગયા છે ત્યારે હજુપણ આ વિસ્તારમાં સ્થિતિ વણસે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે વલસાડ, નવસારી અને ડાંગમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં 15 જુલાઈ સુધી અતિભારે વરસાદની સંભાવના છે. ગુજરાતમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે ત્યારે રાજ્યમાં હજુપણ વરસાદનું પ્રમાણ વધે તેવી શક્યતા દેખાઈ રહી છે જેથી સ્થિતિ વણસી શકે છે.

સૌરાષ્ટ્રના દેવભૂમિ દ્વારિકા, ગીર સોમનાથ, જૂનાગઢ, ભાવનગર અને અમરેલીમાં અતિભારે વરસાદની શક્યતા છે. 13 જુલાઈ બાદ ભરૂચ, નર્મદા, તાપી, બોટાદ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. કચ્છ, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટમાં યેલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તો ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતમાં હળવા વરસાદની શક્યતા છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર ગુજરાત તરફ આવી રહ્યુ છે જેના કારણે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. હાલ એક લો પ્રેશર એરિયા ઓડિશા તરફથી ગુજરાત તરફ આવી રહ્યું છે. જેથી હજુ આગામી ત્રણ દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. 15 જુલાઈ સુધી સૌરાષ્ટ્રના દરિયાકિનારાના વિસ્તારો અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદનો ખતરો છે.

રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી છે. રાજ્યમાં વરસાદે તારાજી સર્જી છે. ત્યારે આગામી દિવસોમાં વરસાદની ગતિ ધીમી પડવાની શક્યતા ખુબ ઓછી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 15 જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.

બંગાળની ખાડીમાં હજુપણ એક નવું લો પ્રેશર સર્જાઈ શકે છે. જો આ વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધશે તો હજુ એક અઠવાડિયા સુધી ગુજરાત પર વરસાદનો ખતરો રહેશે. ચોમાસાની શરૂઆતમાં રાજ્યમાં ખુબ ઓછો વરસાદ પડ્યો હતો પરંતુ બંગાળની ખાડીમાં બનતી વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે જેથી જુલાઈ મહિનાની શરુઆતથી જ રાજ્યમાં વરસાદે ભુક્કા બોલાવ્યા છે.

Leave a Reply

Your email address will not be published.