બકરી ઈદના દિવસે બકરાની બલિ લેવાની જગ્યાએ બકરાના ફોટા વાળી કેક કાપી, કહ્યું દરેક પ્રાણીને છે જીવવાનો અધિકાર

Story

ઉત્તર પ્રદેશના એક મુસ્લિમ યુવકે બકરી ઈદની અનોખી ઉજવણી કરીને એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. બકરીઈદના દિવસે દેશભરમાં લાખો બકરાને જીવતા મારીને તેનું બલિદાન આપવામાં આવે છે ત્યારે ઉત્તર પ્રદેશના એક યુવકે બકરી ઈદના દિવસે જીવતા બકરાને કાપવાને બદલે બકરાની તસ્વીર વાળી કેક કાપીને બકરી ઈદની ઉજવણી કરી હતી.

મીડિયા અહેવાલ દ્વારા પ્રાપ્ત થયેલી વિગતો અનુસાર ઉત્તર પ્રદેશના સીતાપુરના ગ્વાલમંડી વિસ્તારના રહેવાસી મેરાજ અહેમદે બકરી ઈદના દિવસે બકરો કાપવાની જગ્યાએ બકરાના તસ્વીર વાળી કેક કાપી હતી. આમ કરીને તેણે મુસ્લિમ સમાજમાં સંદેશ આપ્યો હતો કે બકરો પણ એક જીવ છે. જેને કાપીને તેનો જીવ લેવો યોગ્ય નથી.

મેરાજ અહેમદે મીડિયા સાથે વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, જરૂરી નથી કે કોઈનો જીવ લઈને જ બલિદાન આપી શકાય. બલિદાન આપવાની બીજીપણ ઘણી રીત છે. કોઈ જરૂરિયાતમંદ દીકરીના લગ્ન કરાવીને કે કોઈને રક્તદાન આપીને તેનો જીવ બચાવીને પણ કુરબાની આપી શકાય છે.

વધુમા મેરાજ અહેમદે જણાવ્યું હતું કે, કોઈ પ્રાણીનો જીવ લેવાનો કોઈનો પણ અધિકાર નથી. દરેક જીવની જિંદગી મૂલ્યવાન છે. લોકોએ પોતાના વિચાર બદલવાની જરૂર છે. દર વર્ષે બકરી ઈદના દિવસે લાખો બકરાનો જીવ લેવામાં આવે છે. તેની જગ્યાએ ગરીબોને મદદ કરવી જોઈએ.

ઉલ્લેખનીય છે કે મુસ્લિમ પરંપરા અનુસાર બકરી ઈદના દિવસે બકરાની બલિ કરવામા આવે છે. બકરાને ત્રણ ભાગમા કાપવામા આવે છે. જેમાંથી એક ભાગ ગરીબોને આપવામાં આવે છે, એક ભાગ સાગા સંબંધીઓને આપવામાં આવે છે અને અન્ય એક ભાગ પરિવાર પોતાના માટે રાખે છે.

Leave a Reply

Your email address will not be published.