દેશભરમાં વરસાદી માહોલ જામ્યો છે. દેશના ઘણા બધા વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. ત્યારે મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિતના વિસ્તારોમાં વરસાદે વિનાશ વેર્યો છે. ભારે વરસાદને કારણે આ વિસ્તારોમાં જનજીવન અસ્તવ્યસ્ત થયું છે. તો આ રાજ્યોમાં પૂર જેવી સ્થિતિને કારણે 200 થી વધેરે લોકોએ જીવ ગુમાવ્યો છે.
ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસ્યો છે. મહારાષ્ટ્રમાં પુરના કારણે 84 લોકોના મોત થયા છે. મહારાષ્ટ્રના 6 જિલ્લામાં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. નાગપુરથી લઈને નાસિક સુધી હાહાકાર મચેલો છે. મહારાષ્ટ્રમાં પુર અને ભારે વરસાદના કારણે અત્યાર સુધીમાં 84 લોકોના મોત થઈ ચુક્યા છે.
મહારાષ્ટ્રના 6 જિલ્લામાં રેડ એલર્ટ છે. હવામાન વિભાગે પાલઘર, નાસિક, રાયગ઼ડ, પુણે, સતારા અને કોલ્હાપુરમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. તો પુરગ્રસ્ત વિસ્તાર પર સીએમ એકનાથ શિંદેની પણ નજર છે. છત્તીસગઢ અને મધ્ય પ્રદેશમાં પણ ભારે વરસાદની સ્થિતિ છે. છત્તીસગઢના 2 જિલ્લામાં રેડ એલર્ટ છે.
મધ્ય પ્રદેશમાં 14 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. મધ્ય પ્રદેશમાં પુરના કારણે અત્યાર સુધીમાં 66 લોકોના મોત થઈ ચુક્યા છે. એમપીના સાગરમાં ભારે વરસાદના કારણે રેલ્વે લાઈનની ચારેતરફ પાણી ભરાયેલું છે. રેલ્વે ક્રોસિંગને પાર કરવા માટે બનાવેલો પુલ પાણીમાં તૂટી ગયો છે. તો વિજળી પડવાના કારણે 3 બાળકોના પણ મોત થયા હોવાનું પણ સામે આવ્યું છે.
ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કરી લેતા પૂર જેવી સ્થિત સર્જાઈ છે. તો અમદાવાદ, છોટા ઉદેપુર અને વલસાડ થતા નર્મદા જેવા વિસ્તારોમાં ભારે વરસાદે તારાજી સર્જી છે. ગુજરાતમાં ભારે વરસાદને પગલે અત્યાર સુધીમાં 60 કરતા વધારે લોકોએ જીવ ગુમાવ્યો છે. તો લોકોને હજારો લાખોનું નુકસાન થયું છે.
ગુજરાતમાં NDRF ની 13 ટીમો અલગ અલગ જગ્યાએ તૈનાત કરી દેવામા આવી છે. તો વળી નર્મદા નદીમાં પુરના કારણે પ્રશાસન સતર્ક થયું છે. ભરુચ અને નર્મદા જિલ્લામાં કેટલાય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરાયું છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં મરઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે. તો રાજ્યના કેટલાક વિસ્તારો તો ભારે વરસાદને કારણે જળમગ્ન થઇ ગયા છે.