ગુજરાતના દરિયાકાંઠે લો પ્રેશર સિસ્ટમ સક્રિય, આ વિસ્તારોમાં આગામી 48 કલાક ભારે વરસાદનો ખતરો

Weather

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મેઘરાજાએ રાજ્યના અનેક વિસ્તારોમાં તબાહી મચાવી છે ત્યારે હજુપણ આગામી ત્રણ દિવસ રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને શુક્રવાર અને શનિવારે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પર ભારે વરસાદનો ખતરો મંડરાઈ રહ્યો છે.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ મંડાણ કર્યા છે. દિવસેને દિવસે વરસાદનું જોર વધી રહ્યું છે ત્યારે હજુ આગામી ત્રણ દિવસ ગુજરાતવાસીઓને વરસાદમાં કોઈ રાહત નહીં મળે. આગામી ત્રણ દિવસ સુરત, નવસારી, વલસાડ, તાપી, ડાંગ અને જૂનાગઢમાં ભારે વરસાદની આગાહી છે તો અમદાવાદમાં પણ હળવો વરસાદ વરસી શકે છે.

ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં આગામી 48 કલાક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થવાને કારણે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો આ વરસાદી સિસ્ટમ વધુ તીવ્ર પણ બની શકે છે જેથી આવતીકાલે માછીમારો તથા બંદરો માટે પોર્ટ વોર્નિંગ બહાર પાડવામાં આવશે.

આવતીકાલે પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, રાજકોટ, મોરબી, જામનગર, વલસાડ અને કચ્છમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં ભારે વરસાદની સ્થિતિને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે કન્ટ્રોલરૂમની મુલાકાત લઈને નવસારી અને વલસાડના કલેકટર સાથે વાતચીત કરી હતી સાથે નવસારી જિલ્લાની વિકટ સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

રાજ્યમાં વરસાદની વાત કરીએ તો અત્યાર સુધીમાં 400 મિમિ વરસાદ નોંધાયો છે તો સિઝનનો 80 ટકા વરસાદ વરસી ચુક્યો છે. રાજ્યમાં ગત ગુરુવારે 203 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ ચીખલીમાં 8 ઇંચ નોંધાયો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુપણ આગામી ત્રણ દિવસ ભારે વરસાદની શક્યતા છે.

Leave a Reply

Your email address will not be published.