અરબ સાગરમાં ઉભું થયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાયું, ગુજરાત પર થશે આ અસર

Weather

ગુજરાતમાં મેઘરાજા ગાંડાતૂર બન્યા છે. અનેક વિસ્તારોમાં વરસાદે તારાજી સર્જી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનને 50 ટકા વરસાદ વરસી ચૂક્યો છે ત્યારે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે. તો બીજી તરફ અરબી સમુદ્રમાં જે લો પ્રેશર સક્રિય થયું હતું તે હવે ડિપ્રેશન બની ગયું છે ત્યારે તેની ગુજરાત પર અસર થશે નહી.

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શનિવારે માત્ર પોરબંદર, જૂનાગઢ અને વલસાડમાં ભારે વરસાદની સંભાવના છે. ત્યારે વરસાદની આગાહીને પગલે બંદર પર એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે તો આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા અમદાવાદ શહેરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે જો કે અહી ભારે વરસાદની કોઈ આગાહી નથી. રાજ્યના અનેક વિસ્તારોમાં હજુ વરસાદ પૂર જોશે વરસી રહ્યો છે ત્યારે આવતીકાલથી વરસાદનું જોર ઘટશે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સરેરાશ ૫૬ ટકાથી વધુ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ પાંચ ઇંચ વરસાદ વલસાડ જિલ્લાના ધરમપુર અને કપરાડા તાલુકામાં ખાબક્યો છે. આ સાથે જ રાજ્યના અન્ય 39 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

રાજ્યના સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તારીખ 16 જુલાઇ સુધીમાં ધરમપુર તાલુકામાં 140 મિમી કપરાડામાં 127 મિમી મળી કુલ બે તાલુકાઓમાં પાંચ ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે. તો ચીખલીમાં 91 મિમી, તાલાલામાં 71 મિમી, વાપીમાં 69 મિમી વરસાદ નોંધાયો છે.

મહત્વનું છે કે અત્યાર સુધીમાં રાજ્યનો કુલ સરેરાશ વરસાદ 56 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ ઝોનમાં સૌથી વધુ 101.79 ટકા, દક્ષિણ ગુજરાત ઝોનમાં 71.88 ટકા, સૌરાષ્ટ્ર ઝોનમાં 56.61 ટકા, પૂર્વ ગુજરાતમાં 43.72 ટકા અને ઉત્તર ગુજરાતમાં 39.91 ટકા કુલ વરસાદ નોંધાયો હોવાના અહેવાલ છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં 27 જળાશયો 100 ટકાથી વધુ, 15 જળાશયો 90 ટકાથી 100 ટકા વચ્ચે ભરાતા હાઈએલર્ટ પર છે. 13 જળાશયો 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ પર તથા 12 જળાશયો 70 ટકાથી 80 ટકા ભરાતા સામાન્ય ચેતવણી આપવામાં આવી છે. ભારે વરસાદને કારણે જળાશયોમાં પાણીની વધુ આવક થતાં કેટલાક જળાશયો હાઈએલર્ટ પર છે.

Leave a Reply

Your email address will not be published.