રાજકોટમાંથી એક જાણીતા જવેલર્સ શો રૂમના ઘરેણાં ચોરી થવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ ઘરેણાં ચોરીના ષડયંત્રમાં એક મહિલાનો હાથ હોવાની વાત સામે આવતા ચકચાર મચ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા એક જાણીતા જવેલર્સ શો રૂમના અંદાજિત રૂપિયા દોઢ કરોડના દાગીનાની ચોરી થઇ હતી.
એક ન્યુઝ અહેવાલ અનુસાર આ ચોરીમાં મહિલા અને તેના પિતા તથા પુત્રની સંડોવણી હોવાનું સામે આવ્યું છે. રાજકોટના યાજ્ઞિક રોડ પર આવેલા એક જાણીતા શો રૂમમાં મહિલા અવાર નવાર ઘરેણાંની ખરીદી માટે આવતી હતી. મહિલા રેગ્યુલર ગ્રાહક હોવાથી શોરૂમ સંચાલક દ્વારા બે સેલ્સમેન અને બે ગર્લ્સને ઘરેણાં બતાવવા માટે તે મહિલાના ઘરે મોકલ્યા હતા.
સેલ્સમેન ઘરે આવે તે પહેલા જ મહિલાએ ચોરીનો સંપૂર્ણ પ્લાન ઘડી કાઢ્યો હતો. સેલ્સમેન ઘરે આવતા જ પ્લાનિંગ અનુસાર મહિલાએ 1.48 કરોડના ગોલ્ડ અને ડાયમંડના ઘરેણાં પસંદ કરી બાજુમાં રખાવ્યા હતા. બાદમાં તક જોઈ આ મહિલા સેલ્સમેનના હાથમાંથી 1.48 કરોડના ઘરેણાનું બોક્સ ઝડપી ક્રેટા કારમાં ભાગી ગઈ હતી.
સમગ્ર ઘટના બાદ શોરૂમ સંચાલક દ્વારા પોલીસનો સંપર્ક કરાયો હતો. પોલીસે તાત્કાલિક એક્શન લઈ આરોપી મહિલાને લૂંટના ઘરેણાં સાથે ઝડપી લીધી હતી. જો કે આરોપી મહિલાના પિતા અને પુત્ર ફરાર થઇ ગયા હતા. આ મામલે પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.