ગુજરાત કેડરના આઇપીએસ સફીન હસનની ગણતરી દેશના સૌથી યુવા આઇપીએસ તરીકે થાય છે. સફીને નાની ઉંમરે આ સફળતા હાંસલ કરી છે પરંતુ તેના માટેનો તેમનો સંઘર્ષ વધારે ઉંમર વાળા વ્યક્તિઓ જેવો છે. એ સમયે પરિવારની આર્થિક સ્થિતિ બહુ સારી ન હતી. ધોરણ 10 સુધી તેની માતાએ શાળાની ફી ચૂકવવા માટે અન્ય લોકોના ઘરોના ખરાબ વાસણો સાફ કરવા પડ્યા હતા.
ઉપરાંત જેમ જેમ શાળાની ફી વધતી ગઈ તેમ તેમ સફિન હસનની માતાના કામનો બોજ તેના પ્રમાણમાં વધતો રહ્યો. કેટલીક વાર તે રેસ્ટોરન્ટમાં કામ કરતા હતા અને કેટલીક વાર તે લગ્નમાં રોટલી બનાવવાનું કામ પણ કરતા હતા જેથી તેનો પુત્ર તેના લક્ષ્ય પહોંચી શકે. સફિન હસનનું બાળપણ ખુબજ કઠણાઈઓમાં વિત્યુ પરંતુ તેમણે કદી હાર માની નહિ કે ન તો અફસોસ કર્યો.
કહેવાય છે કે જે પડકાર સામે બે હાથ ધરે છે તે કોઈ પણ મુશ્કેલીઓમાંથી બહાર નીકળવાનો માર્ગ શોધી કાઢે છે. સફીન હસનનું બાળપણ પણ આવું જ હતું અને જ્યારે મુશ્કેલીના વાદળો સંપૂર્ણપણે ઘેરાઈ ગયા હતા ત્યારે તેમને કેટલાક લોકોનો સહારો મળ્યો હતો. એવા પ્રસંગો આવ્યા હતા જ્યારે સમાજના ઉચ્ચ વર્ગે સફિનના અભ્યાસ માટે મદદ કરવા હાથ લંબાવ્યો હતો. આજે તેઓ આ માટે બધાનો આભાર માને છે.
સફિન હસનનો જન્મ 21 જુલાઈ 1995 ના રોજ થયો હતો. તેઓ બનાસકાંઠાના નાનકડા એવા કનોદર ગામના રહેવાસી છે. તેમનું પ્રાથમિક શિક્ષણ ગામમાં થયું હતું. ત્યારબાદ ખાનગી શાળામાંથી 11 મું અને 12મું ધોરણ પાસ કર્યું. ખાનગી શાળામાં પહોંચ્યા ત્યારે આચાર્યએ તેમની ફી ના 80 હજાર રૂપિયા માફ કરી દીધા હતા. અહીંથી અભ્યાસ પૂર્ણ કર્યા પછી તેમણે એન્જિનિયરિંગ અભ્યાસ માટે એનઆઈટી સુરતમાં પ્રવેશ મેળવ્યો.
સફીને જણાવ્યું છે કે તેમણે એન્જિનિયરિંગ પૂરું કર્યા પછી દિલ્હી જવાનું વિચાર્યું ત્યારે તેમની આર્થિક તંગી આડી આવવા લાગી. ત્યારે તેમના ગામના એક મુસલમાન પરિવારે સફિનના અભ્યાસની જવાબદારી લીધી હતી અને બે વર્ષ સુધી સફીનની મુસાફરી અને રહેવા માટે પૈસા ચૂકવ્યા હતા અને તે જ લોકોએ સફિનની કોચિંગ ફી પણ ચૂકવી હતી.
એક ઇન્ટરવ્યુ દરમિયાન પોતાનું બાળપણ યાદ કરતી વખતે સફિન ભાવુક થઈ ગયા હતા. ત્યારે તેમણે કહ્યું કે મારા માતાપિતા બંને હીરાના કારખાનામાં કામ કરતા હતા. માતાપિતા માટે ઘર ચલાવવું ખૂબ મુશ્કેલ હતું ત્યારે કેટલીકવાર તો રાત્રે જમ્યા વગર જ સૂવું પડતું હતું. પિતા ઇલેક્ટ્રિશિયન તરીકે કામ કરવા લાગ્યા અને શિયાળા દરમિયાન ચા અને ઇંડાની દુકાનો ગોઠવતા હતા. જ્યારે તેમને મદદ કરવા માટે માતા લગ્નમાં રોટલી બનાવવાનું કામ કરતી હતી.
સફિનની ઘરની પરિસ્થિતિ તો એ સમયે ખરાબ હતી જ પરંતુ જ્યારે તેઓ યુપીએસસીની પરીક્ષા આપવા જઈ રહી હતા ત્યારે પરીક્ષાના દિવસે તેમનો ગંભીર અકસ્માત થયો હતો. જે હાથથી તેઓ લખતા હતા તેને છોડીને આખું શરીર પીડાથી ધ્રૂજી રહ્યું હતું. પરંતુ તેઓ હિંમત હાર્યા નહિ અને મજબૂત મન રાખીને પરીક્ષા આપવા ગયા. પરીક્ષા બાદ તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડ્યા હતા. પરંતુ કહેવાય છે ને કે જે મજબૂત મનોબળ રાખીને પરિસ્થિતિનો સામનો કરે તેને ભગવાન અવશ્ય ફળ આપે છે.
સફિને એકવાર જણાવ્યું હતું કે જ્યારે તે શાળામાં હતા ત્યારે એક અધિકારીની મુલાકાત તેમણે લીધી હતી. અધિકારીના રુઆબથી તે ખૂબ પ્રભાવિત થયા અને તેમણે પોતાના કાકીને પૂછ્યું કે તે કોણ છે અને તેમણે બાળક સફીનને સમજાવતા કહ્યું કે તે જિલ્લાનો રાજા છે. તો સફીને પૂછ્યું કે કેવી રીતે રાજા બનવું? ત્યારે તેમણે કહ્યું કે તેની પરીક્ષા પાસ કરવા માટે ઘણો અભ્યાસ કરવો પડે.
સફીન જણાવે છે કે બસ ત્યારે જ મે અધિકારી બનવાનું સ્વપ્ન જોવાનું શરૂ કર્યું. ખૂબ મહેનત અને સંઘર્ષ બાદ સફિને સફળતા મેળવી અને દેશના સૌથી નાની ઉંમરના આઇપીએસ અધિકારી બન્યા. ત્યારે આજે દેશના સૌથી નાના આઈપીએસ અધિકારીને જન્મદિવસની ખૂબ શુભકામનાઓ. સફિન હસન આજે યુપીએસસીની તૈયારી કરતા દરેક અભ્યાર્થીઓ માટે પ્રેરણારૂપ છે.