ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલને પાર, વધુ પાણી છોડાશે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસવાનો ડર

Gujarat

ગુજરાતમાં સારો વરસાદ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. જો કે હવે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઇ ગયો છે જેમાં અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. જો કે સુરત શહેર અને તાલુકામાં છેલ્લા 24 કલાકમાં ડબલ ડિજીટમાં વરસાદ નોંધાયો નથી માત્ર હળવો વરસાદ વરસી રહ્યો છે જેથી ખેડૂતો અને શહેરીજનોને હાશકારો થયો છે.

સુરતમાં હળવો વરસાદ વરસી રહ્યો છે પરંતુ ઉકાઈ ડેમની સપાટી રુલ લેવલને પાર થતા જો પાણી છોડવામાં આવશે તો સુરતના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાય તેવી શક્યતા છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના કારણે ડેમમાં સતત પાણીનો વધારો થઈ રહ્યો છે. આથી ડેમ રૂલ લેવલ 333 ફૂટને પાર કરીને 334.01 ફૂટની સપાટીએ પહોંચી ગયું છે.

મહારાષ્ટ્રમાં ચાલુ વર્ષે સારો વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે મહારાષ્ટ્રનો હથનુર ડેમ ઓવરફ્લો થઇ ગયો છે જેમાંથી સતત પાણી છોડવામાં આવી રહ્યું છે. આ ડેમમાંથી મોટા પ્રમાણમાં પાણીનો જથ્થો છોડવામાં આવે છે જે પાણી સીધુ ઉકાઈ ડેમમાં આવી રહ્યું છે. જેના કારણે ઉકાઇની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે.

ઉકાઈ ડેમની સપાટી રૂલ લેવલ 333 ફૂટને પાર કરીને આજે 334.01 ફૂટ પર પહોંચી ગયું છે. બીજી તરફ પાણીની આવક 1,25,925 ક્યુસેક નોંધાઇ છે. ત્યારે ડેમમાંથી 53,712 પાણી છોડવામાં આવી રહ્યું છે. હાલ સુરતના સીંગણપુર કોઝવેની સપાટી 7.5 મીટર પર નોંધાઇ છે. ત્યારે જો ફરીથી મોટી માત્રામાં પાણીનો જથ્થો છોડવામાં આવશે તો સુરતના નીચાણવાળા વિસ્તારમાં તેની અસર થઇ શકે છે.

રાજ્યમાં વરસાદે નાનકડા વિરામ બાદ ફરી ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. પરંતુ સુરતમાં છેલ્લા પાંચેક દિવસથી ઉઘાડ જોવા મળી રહ્યો છે. ભારે વરસાદ બાદ નવા વવાયેલા પાક અને ઉભા પાકને ઉઘાડની જરૂર રહેતી હોય છે. સૂર્ય પ્રકાશના કારણે પાકની વૃદ્ધિ સારી થતી હોય છે. ત્યારે ભારે વરસાદ બાદ જરૂરી સૂર્ય પ્રકાશ ઉભા પાકને મળી રહેતા હાલ ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

Leave a Reply

Your email address will not be published.