આજથી લો પ્રેશર સિસ્ટમ સક્રિય, ત્રણ દિવસ સુધી આ વિસ્તારોમાં મેઘરાજા કરશે પધરામણી

Weather

ગુજરાતમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે. બનાસકાંઠા, મહેસાણા, પાટણ સહિતના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ તબાહી મચાવી છે ત્યારે હજુ પણ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ એવું પણ જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં આજથી વરસાદનુ જોર વધશે.

મહત્વનું છે કે હાલ એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઇ છે જેના કારણે ભારે વરસાદની શક્યતા છે. લો પ્રેશરના કારણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી અને પાટણ જિલ્લાના વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે. આ સાથે જ રાજ્યના અનેક વિસ્તારમાં મેઘરાજાની હેલી આવી પહોંચે તેવી શક્યતા છે.

રાજસ્થાન વાળા લો પ્રેશરને કારણે રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ખાસ કરીને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ અને મહેસાણા જિલ્લાના છૂટા છવાયા વિસ્તારોમાં હળવાથી લઈને ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉત્તર ગુજરાતની સાથે આજે મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

મધ્ય ગુજરાતમાં અમદાવાદ, ખેડા, આણંદ અને વડોદરા જિલ્લાના કેટલાક વિસ્તારોમાં આજે મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બાકીના વિસ્તારોમાં છુટોછવાયો વરસાદ વરસે તેવી સંભાવના છે. રાજ્યમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થઇ ગયો છે ત્યારે અનેક વિસ્તારોમાં મેઘરાજાએ રમઝટ બોલાવી છે. તો રાજ્યમાં હજુપણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

મહત્વનું છે કે આજે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના સુરત, ભરૂચ, નવસારી, તાપી, વલસાડ અને ડાંગમાં આજે સારો વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રમાં પણ હવે ફરીથી વરસાદ શરૂ થશે. સૌરાષ્ટ્રના બોટાદ, ભાવનગર, સુરેન્દ્રનગર અને અમરેલી જિલ્લાના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે.

ગુજરાતમાં ફરી વરસાદનું જોર વધી રહ્યુ છે ત્યારે કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ અન્ય વિસ્તારોમાં છુટાછવાયા વરસાદી ઝાપટા પડે તેવી શક્યતા છે. વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઇ ગયો છે ત્યારે ધીમે ધીમે વરસાદનું જોર વધી રહ્યુ છે. આગામી 27 જુલાઈ સુધી રાજ્યમાં ભારે વરસાદ રહેશે જે બાદ વરસાદનું જોર ઘટશે.

Leave a Reply

Your email address will not be published.