આગામી 48 કલાક ગુજરાત માટે ભારે, આ વિસ્તારોમાં થઇ શકે છે સાંબેલાધાર વરસાદ

Weather

રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થઈ ગયો છે. જેમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે. કેટલાક વિસ્તારોમાં ભારે તો કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે આગામી ત્રણ દિવસ અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આગાહી મુજબ આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદ વરસી શકે છે તો 28 જુને બનાસકાંઠામાં અતિભારે વરસાદને પગલે લોકોને સાવચેત રહેવાની સલાહ અપાઈ છે.

ગુજરાતમાં આગામી 48 કલાક ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે. આ દરમિયાન અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટો છવાયો વરસાદ રહેશે તો ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી અને સુરેન્દ્રનગરમાં સારો વરસાદ વરસી શકે છે. સૌરાષ્ટ્રના જામનગર, રાજકોટ અને બોટાદમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિ ભારે વરસાદનુ એલર્ટ આપવામાં આવ્યું છે. બનાસકાંઠા અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે, તો રાજકોટ, દ્વારકા, પોરબંદર, આણંદ, નવસારી અને તાપીમાં યેલો આપવામાં આવ્યું છે.

નોંધનીય છે કે રાજ્યમાં ગત 24 કલાક દરમિયાન 232 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ બનાસકાંઠાના થરાદમાં 5.90 ઇંચ લાખાણીમાં 4 ઇંચ, ખેડાના કઠલાલમાં 4 ઇંચ, સુઈગામમાં સવા ત્રણ ઇંચ, વડગામમાં સવા ત્રણ ઇંચ, પાલનપુર અને મહેમદાબાદમાં ત્રણ ઇંચ તો અનેક વિસ્તારોમાં બે ઇંચથી વધુ વરસાદ વરસ્યો છે.

રાજ્યમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 116.30 ટકા, ઉત્તર ગુજરાતમાં 46.82 ટકા, મધ્ય ગુજરાતમાં 56.34 ટકા સૌરાષ્ટ્રમાં 60.59 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 80 ટકાથી વધુ વરસાદ નોંધાયો છે. ઉત્તર ગુજરાતમાં હજુ પણ વરસાદની ઘટ છે ત્યારે હવામાન વિભાગ દ્વારા હાલમાં ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવે છે. રાજ્યમાં ભારે વરસાદને પગલે નવા નીરની આવક થઈ છે. સૂકા જળાશયો પણ પાણીથી ભરાઈ ગયા છે. રાજ્યમાં હાલ પાણીનો જથ્થો 58.13 ટકા છે. રાજ્યમાં 90 ટકાથી વધારે જળાશયો ભરાયેલા છે. તો 53 જળાશયો હાઈ એલર્ટ પર છે.

Leave a Reply

Your email address will not be published.