ડોલર કરતાં રૂપિયો નીચો છે. ત્યારે ડોલરની સરખામણીએ હજુપણ રૂપિયો તૂટી શકે છે. ફેડરલના વ્યાજના દરમાં વધારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી મૂડીના ઉપાડને વેગ આપી શકે છે. ડોલરના ઉપાડ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રૂપિયાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. જૂનમાં ક્રૂડ ઓઇલ, કોલસો અને સોનાની મોંઘી આયાતને કારણે વેપાર ખાધ વધી હતી.
આગામી દિવસોમાં ડોલર સામે ભારતીય રૂપિયો એટલે કે ભારતીય ચલણમાં વધુ ઘટાડો જોવા મળી શકે છે. અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે ટ્રેડ ડેફિસિટમાં વધારો અને યુએસ ફેડરલ બેન્કના વ્યાજદરમાં વધારાને કારણે રૂપિયો આગામી દિવસોમાં વધુ તૂટી શકે છે. અર્થશાસ્ત્રીઓના મતે ડોલર સામે રૂપિયો ઘટીને 82 રૂપિયા સુધી આવી શકે છે. જો કે ફેડરલ બેન્કે હજુ સુધી વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કરી નથી.
અમેરિકાની સેન્ટ્રલ બેન્ક ફેડરલ રિઝર્વ 26-27 જુલાઈની બેઠકમાં વ્યાજદરમાં 0.50થી 0.75 ટકાનો વધારો કરી શકે છે તેવી અટકળો ચાલી રહી છે. ફેડરલના વ્યાજના દરમાં વધારો ભારત જેવા ઉભરતા બજારોમાંથી વિદેશી મૂડીના ઉપાડને વેગ આપી શકે છે. ડોલરના ઉપાડ અને ક્રૂડ ઓઇલના ઊંચા ભાવને કારણે રૂપિયાના ભાવમાં વધુ ઘટાડો થઈ શકે છે. ગત સપ્તાહે ડોલર સામે રૂપિયો સૌથી નીચલા સ્તરે 80.06ની સપાટીએ પહોંચી ગયો હતો.
અર્થશાસ્ત્રીઓનું માનવું છે કે કાચા તેલની કિંમતોમાં સ્થિરતા અને ભૂરાજકીય સ્થિતિમાં સુધારની સંભાવના સાથે રૂપિયો આવતા વર્ષે માર્ચ સુધી 78 રૂપિયા પ્રતિ ડોલરના સ્તર પર આવી શકે છે. ઇન્ડિયા રેટિંગ્સ એન્ડ રિસર્ચના ચીફ ઇકોનોમિસ્ટ સુનિલ કુમાર સિંહાએ પીટીઆઇને જણાવ્યું હતું કે એકંદરે અમે મૂલ્યાંકન કર્યું હતું કે રૂપિયો ડોલર દીઠ 79 રૂપિયાની આસપાસ સ્થિર થઈ શકે છે. આ આખા વર્ષનું સરેરાશ મૂલ્ય હશે.
આઈસીઆરએના ચીફ ઇકોનોમિસ્ટ અદિતિ નાયરે જણાવ્યું હતું કે ડોલર સામે રૂપિયાનું મૂલ્ય આખરે વૈશ્વિક સેન્ટિમેન્ટ અને વિદેશી રોકાણકારોના પોર્ટફોલિયોના પ્રવાહ દ્વારા નક્કી કરવામાં આવશે. તે નક્કી કરશે કે આગામી મહિનાઓમાં રૂપિયો વધુ તૂટશે કે પછી મંદીની શક્યતાને કારણે અમેરિકન ડોલરની મજબૂતાઈ ઘટશે. નોમુરાના જણાવ્યા પ્રમાણે જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન ડોલર સામે રૂપિયો 82 રૂપિયાના સ્તર સુધી તૂટી શકે છે.
ક્રિસિલને અપેક્ષા છે કે નજીકના ગાળામાં રૂપિયા પર દબાણ રહેશે અને વેપાર ખાધમાં વધારો થવાને કારણે રૂપિયા-ડોલરનો વિનિમય દર અસ્થિર રહેશે. ક્રિસિલના મુખ્ય અર્થશાસ્ત્રી દીપ્તિ દેશપાંડેએ જણાવ્યું હતું કે નાણાકીય વર્ષના અંતે દબાણ હળવું થઈ શકે છે કારણ કે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થવાની ધારણા છે. ક્રૂડ ઓઇલ, કોલસો અને સોનાની મોંઘી આયાતને કારણે જૂનમાં વેપાર ખાધ 26.18 અબજ ડોલરની વિક્રમી સપાટીએ પહોંચી હતી. ચાલુ નાણાકીય વર્ષમાં એપ્રિલ-જૂનમાં ખાધ વધીને 70.80 અબજ ડોલર થઈ છે.