રડાવી દે તેવી પ્રેમકહાની: ‘હું મરી જાવ તો જેમ જાન લઇને લેવા આવ્યા હતા તેમ બેન્ડ વાજા લઈને સ્મશાને મૂકવા આવજો’ એક વાર જરૂર વાંચજો…

Gujarat

“તમારી પહેલા હું જ જઈશ પરંતુ હું મરી જાવ તો રડતાં નહીં. લગ્ન સમયે જેમ ઢોલ નગારા લઈને મને લેવા આવ્યા હતા તેમ બેન્ડ વાજા સાથે વાજતે ગાજતે સ્મશાને મૂકવા આવજો..”
આ શબ્દો હતા માત્ર પાંચ વર્ષનું દામ્પત્યજીવન જીવીને અકાળે મૃત્યુ પામનારા મોનિકા શ્રીનાથ સોલંકીના..

આપણે આજ સુધી ઘણી બધી પ્રેમ કહાની જોઈ હશે અને સાંભળ્યું હશે. પરંતુ આ કરૂણ પ્રેમ કહાની વિશે સાંભળીને આંખમાંથી દડ દડ આંસુઓ વહેવા લાગશે. આ પ્રેમકહાની છે જૂનાગઢના શ્રીનાથભાઈ સોલંકીની જેમના ધર્મપત્નિને ડિલિવરી સમયે બ્રેઈન સ્ટ્રોક થતાં મોત નીપજ્યું હતું. આ સાથે જ ઇન્ફેકશનના કારણે નવજાત શિશુનું પણ મિનિટમાં મોત થયું.

આ હૃદયદ્રાવક કિસ્સો જૂનાગઢમાંથી સામે આવ્યો છે. જૂનાગઢના ફોટોગ્રાફર 31 વર્ષીય શ્રીનાથભાઇ સોલકીના પત્ની મોનિકા બહેનનું 21 જુલાઈના રોજ બ્રેઈન સ્ટ્રોક થતાં અવસાન થયું. ત્યારે ડોક્ટરે કહ્યું ગર્ભમાં રહેલ બાળક જીવંત છે. જેથી પરિવારની સંમતિથી સિઝેરિયન દ્વારા શિશુને ગર્ભમાંથી બહાર કાઢવામાં આવ્યું. ડોકટરે ખૂબ પ્રયાસ કર્યા પરંતુ બાળકીએ આંખ ખોલી નહિ અને ઇન્ફેક્શન લાગી જતાં નવજાત શિશુનું મોત નિપજ્યું.

પરિવારમાં અચાનક બે બે સભ્યોના અવસાન થતાં પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો. પરંતુ પરિવારજનોએ હિંમત દાખવી અને મોનિકા બહેનના ચક્ષુનું દાન કર્યું જેથી અન્ય કોઈને રોશની મળી શકે. માત્ર એટલું જ નહિ પરંતુ તેના બેસણાના દિવસે રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં લોહીની 37 બોટલો એકત્રિત થઈ. મોનિકા બહેનની અંતિમયાત્રા પણ ઢોલ શરણાઈ સાથે વાજતે ગાજતે કાઢવામાં આવી હતી.

શ્રીનાથભાઈ સોલંકીએ મીડિયા સાથે વાતચીત કરતા કહ્યું કે ડોક્ટરે કહ્યું તમારી પત્ની મોનિકાને બચાવી શકાય તેમ નથી, પરંતુ બાળકીના શ્વાસ ચાલે છે તમે કહો તો કદાચ તેને શકીએ. મેં મન પર ભાર મૂકીને મંજૂરી આપી. સિઝેરિયનથી બાળકીનો જન્મ થયો પરંતુ ભગવાનને મંજૂર નહોતું. મિનિટમાં જ મારી લાડલીએ પણ મમ્મીની જેમ અંતિમશ્વાસ લઈ વિદાય લઈ લીધી.

પાંચ વર્ષના દાંપત્યજીવન અને એક દાયકાની પ્રેમકહાની તેમજ વાજતે-ગાજતે સ્મશાનયાત્રા કાઢવા પાછળ એક ઘટના છુપાયેલી છે. મૃતક મોનિકાના પતિ શ્રીનાથ સોલંકીએ મીડિયા સાથે વાતચીત દરમિયાન કહ્યું કે એકવાર હું અને મારી પત્ની મોનિકા મજાકમસ્તી કરી રહ્યાં હતાં. હું મજાકમાં એને એવું બોલ્યો હતો કે હું જતો રહીશ પછી તું રડીશ. તે સમયે મારી વાત સાંભળીને તે બોલી હતી કે.. તમારા પહેલાં હું જઈશ અને હું જાઉં ત્યારે તમે રડતા નહીં પરંતુ મને લગ્ન સમયે જેમ ઢોલ નગારાં અને બેન્ડ વાજા સાથે લેવા આવ્યા હતા તે રીતે મને વાજતે ગાજતે સ્મશાને મૂકવા આવજો.

શ્રીનાથ ભાઈએ કહ્યું મોનિકાના મૃત્યુ સમયે મને આ વાત યાદ આવી જેથી મેં નક્કી કર્યું હતુ કે મારી પત્ની મોનિકા અને મારી નવજાત દીકરીને હું વાજતે-ગાજતે બૅન્ડબાજાં સાથે સ્મશાને વળાવીશ. કોઈની પરવા કર્યા વગર મેં અને મારા પરિવારે આ નિર્ણય લીધો હતો. અમે વાજતે ગાજતે મોની અને મારી લાડલી વળાવી. મોનિકાની અંતિમયાત્રામાં હજારો લોકો જોડાયા હતા.

મોનિકાની અંતિમ યાત્રા બૅન્ડવાજાં સાથે નિકળી હતી

 

મોનિકાનું 9 જુલાઈએ શ્રીમંત કર્યું હતું. મોનિકાના પરિવારજનો રિતી મુજબ તેને પિયર વેરાવળ લઈ ગયા હતા. મોનિકા એદકમ સ્વસ્થ હતી. પરંતુ 21 જુલાઇએ મોનિકાને અચાનક માથું દુખવાનું શરૂ થઈ ગયું. તેને હોસ્પિટલ લઈ જવામાં આવી. મોનિકાની હાલત વધારે ગંભીર થવા લાગી જેથી ઓપરેશન થિયેટરને બદલે ઓપિડીમાં જ સારવાર શરૂ કરવામાં આવી. પરંતુ બ્લડ પ્રેશર એકદમ હાઈ થઈ જતાં બ્રેઈનસ્ટ્રોકને કારણે મોત નિપજ્યું. સાથે જ ઇન્ફેકશનના કારણે નવજાત બાળકી પણ મોતને ભેટી ગઈ.

રડાવી દે તેવી પ્રેમકહાની: મોનિકાના પતિ શ્રીનાથ ભાઈએ કહ્યું કે અમારા લવ કમ અરેંજ મેરેજ થયા છે. હું અને મોનિકા પતિ પત્નિ કરતા વધારે બેસ્ટ ફ્રેન્ડ હતા. હું ફોટો ગ્રાફર છું. એકવાર હું લગ્ન પ્રસંગે ફોટોગ્રાફી માટે ગયો હતો. એ દરમિયાન મોનિકા ત્યાં આવી હતી. અમારી બંનેની નજર મળી અને એકબીજાને નંબર આપ્યા. બંનેની મેસેજમાં વાતો થવા લાગી. બંને એકબીજાને પસંદ કરવા લાગ્યા.

શ્રીનાથ ભાઈએ કહ્યું એ સમયે મારી ઉંમર 20 વર્ષની હતી જ્યારે મોનિકા 19 વર્ષની હતી. મારે લગ્ન માટે 2 વર્ષ ઘટતા હતા. મોનિકા માટે માગા આવવા લાગ્યા પરંતુ મોનિકા ના પાડતી હતી. ત્યારબાદ તેણે મને કહ્યું કે હવે આપણે લગ્ન માટે કંઇક કરવું પડશે. ત્યારે જોગાનુજોગ મારા માટે મોનિકાનું માગું આવ્યું. આ દરમિયાન બંને પરિવાની સંમતિથી અમારી સગાઈ અને ત્યારબાદ લગ્ન થયા.

મોનિકા અને શ્રીનાથ સોલંકી

શ્રીનાથ ભાઈએ કહ્યું કે અમે પાંચ વર્ષ દામ્પત્ય જીવન વિતાવ્યું. મારી પત્નિને પાર્લરનો ખૂબ શોખ હતો. તે સલોન ચલાવતી હતી. તેને દીકરીઓ પ્રત્યે અનોખી લાગણી હતી જેથી સલોનમાં 10 વર્ષ સુધીની ઉંમરની કોઈપણ બાળકી હેર કટ કરાવવા આવે તો તેને ફ્રીમાં વાળ કાપી આપતી હતી. તેને પાણીપુરી ખાવાનો પણ ખૂબ શોખ હતો. તેનો સ્વભાવ ખૂબ સારો હતો. પાણીપુરી ખાવા જઈએ એટલે તે પાણીપુરી વાળાને તબિયત કેમ છે એવું બધું પણ પૂછતી હતી. મોનીના અવસાનના સમચાર મળતા જ તેઓ પણ અંતિમયાત્રામાં આવ્યા હતા અને દુખની લાગણી વ્યક્ત કરી હતી.

મોનિકાના પતિએ કહ્યું કે મને અને મોનિકાને દીકરી ખુબજ પસંદ હતી. અમે ઈચ્છતા હતા કે અમને સંતાનના રૂપે દીકરી મળે. અમે બાળક માટે પ્લાન કર્યો. જુલાઈમાં ધામધૂમથી મોનિકાનું શ્રિમંત કર્યું. અમારી ઇચ્છા મુજબ ભગવાને અમને દીકરી આપી પરંતુ મિનિટોમાં જ અમારી લાડલીએ મમ્મીની જેમ અંતિમ શ્વાસ લીધા અને આ દુનિયામાંથી વિદાય લઈ લીધી.

બેસણામાં રક્તદાનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

શ્રીનાથભાઈના પત્નિ મોનિકા બહેનની ઈચ્છા હતી કે તેમના અવસાન બાદ ઢોલ નગારા સાથે વાજતે ગાજતે તેમની વિદાય કરવામાં આવે. શ્રીનાથ ભાઈએ એવું જ કર્યું પત્નીની ઈચ્છા મુજબ તેના અવસાન બાદ રોકકળ કરવાને બદલે વાજતે ગાજતે વિદાય આપી. તેમણે મોનિકા બહેનના ચક્ષુનું પણ દાન કર્યું. ઉપરાંત બેસણામા રક્તદાન કેમ્પનું આયોજન કર્યું જેમાં લોહીની 37 બોટલ એકત્રિત થઈ. આમ તેમણે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું.

Leave a Reply

Your email address will not be published.