સુરતના સરથાણા વિસ્તારમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સરથાણા જકાતનાકાની આનંદ સર્જીકલ હોસ્પિટલમાં પ્રિયંકા નામના મહિલા દર્દીનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. મહિલાનું ઓપરેશન ગત સોમવારે થયું હતું. પરંતુ ઓપરેશન કર્યા બાદ અચાનકથી મહિલાની તબિયત લથડવા લાગી અને મોત નીપજ્યું. ત્યારે હવે પરિવારજનો મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કરી રહ્યા છે.
હોસ્પિટલમાં પરિણીતાનું સારવાર બાદ અવસાન થતા પરિવારજનોએ હોસ્પિટલના ડોક્ટર સહીત સ્ટાફની બેદરકારીને કારણે મોત થયું હોવાના આક્ષેપો સાથે હોબાળો કર્યો હતો. આ સાથે જ કોઈ કાર્યવાહી ના થાય ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો છે. પરિવાજનોનું કહેવું છે કે ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફની બેદરકારીને કારણે પ્રિયંકા બહેનનું અવસાન થયું છે.
સુરતના કાપોદ્રા વિસ્તારના મંગલદીપ એપાર્મેન્ટમાં રહેતા વિવેકભાઈ અણઘણના પત્ની પ્રિયંકા બહેનને એપેન્ડીક્ષની તકલીફ હતી. જેથી સોમવારે સવારે સુરતના સરથાણા વિસ્તારમાં આવેલી આનંદ સર્જીકલ એન્ડ ઓર્થોપેડિક હોસ્પિટલમાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું હતું. પરંતુ ઓપરેશન બાદ અચાનકથી તેમની તબિયત લથડવા લાગી અને મોત નીપજ્યું.
મૃતકના પતિ વિવેકભાઈના જણાવ્યા અનુસાર પ્રિયંકાનું ઓપરેશન થઇ જવા છતાંપણ તેઓ કલાકો સુધીમાં હોંશમાં ન્હોતા આવ્યા. ઉપરાંત તેમના હોઠ પણ સફેદ થવા લાગ્યા હતા જેથી ડોક્ટરને આ અંગે જાણ કરવામાં આવી હતી. પ્રિયંકા બહેનનું મોત થતા ડોકટરે હૃદયનો હુમલો આવવાને કારણે મોત નીપજ્યું હોય તેવું લાગી રહ્યું હોવાનું જણાવ્યું હતું.
હકીકતમાં પ્રિયંકા બહેનનું મોત વધારે એન્થેસિયા આપવાને કારણે થયું હતું. ડોક્ટર સહીત સ્ટાફની બેદરકારીને કારણે પ્રિયંકા બહેનનું મોત થતા પરિવારજનો વિફર્યા અને જ્યાં સુધી કોઈ પોલીસ કાર્યવાહી ના થાય ત્યાં સુધી દેહ સ્વીકારવાનો ઇન્કાર કર્યો. ડોક્ટર અને સ્ટાફની બેદરકારીને કારણે જીવ ગયો હોવાનું પરિવારજનોનું કહેવું છે.
પ્રિયંકા બહેનના પરિવારજનોએ લગાવેલા આક્ષેપને આધારે સરથાણા પોલીસે દ્વારા પ્રિયંકાનું પેનલ પોસ્ટપોર્ટમ કરવામાં આવ્યું છે અને એએસએલ સેમ્પલ લઈને લેબમાં મોકલવામાં આવ્યા છે. હવે રિપોર્ટ આવ્યા બાદ જ સાચું કારણ જાણી શકાશે. પરિવારજનોએ પોલીસ કર્યવાહી બાદ જ મૃતદેહ સ્વીકારવાની માંગ કરી હતી. હાલ આ અંગે કાર્યવાહી ચાલી રહી છે.