દેશ ભરમાં અનેક જગ્યાએ આઇટીના દરોડા પડે છે. ત્યારે હાલ આવકવેરા વિભાગે અમદાવાદમાં ચિરિપાલ જૂથ સહીત રાજ્યના 45 સ્થળે દરોડા પડ્યા હતા. જેમાં રૂપિયા 800 કરોડના બેનામી આર્થિક વ્યવહાર મળ્યા છે અને આ આંકડો હજુપણ વધે તેવી શક્યતા છે. તો આ સાથે જ અત્યાર સુધીમાં 25 કરોડ રોકડા અને 15 લાખના ઘરેણાં મળ્યા છે. આ સાથે જ 20 બેન્ક લોકરો પણ મળી આવ્યા છે.
આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના ચિરિપાલ જૂથ પર દરોડા પાડવામાં આવ્યા હતા. ચિરિપાલ જૂથ ટેક્સ્ટાઇલ, પેકેજિંગ, કેમિકલ અને સોલાર સાથે સંકળાયેલ છે. છેલ્લા નવ દિવસથી અધિકારીઓ ઓફિસ, ફેક્ટરી, બંગ્લોઝ અને કર્મચારીઓના ઘરે દરોડા પાડી રહ્યા છે જેમાં ઓફિસના કોમ્પ્યુટર અને લેપટોપને પણ સ્કેન કરવામાં આવ્યા હતા. ત્યારે આઇટી વિભાગને 800 કરોડના બેનામી આર્થિક વ્યવહારો મળી આવ્યા છે.
આઇટીના દરોડા દરમિયાન મોટા પ્રમાણમાં ડિજિટલ ડેટા મળ્યો છે. ડિજિટલ દસ્તાવેજોની એફએસએલના અધિકારીઓ દ્વારા ચકાસણી કરવામાં આવી હતી. ત્યારે સૂત્રોના જણાવ્યા અનુસાર જે ડેટા મળ્યો છે તેમાં કેટલાક વ્યવહારો અંડર બિલ્ડીંગ છે. અંડર બિલ્ડીંગ એટલે કે માલ વેચાયો એનું ઓછી રકમનું બિલિંગ કરવામાં આવે જેથી ઓછો ટેક્સ ભરવો પડે.
તપાસ દરમિયાન રિયલ એસ્ટેટના રોકાણોમાં પણ બેહિસાબી આવક મળી હતી. તો અધિકારીઓ કહે છે કે હજુ અનેક સોદા બતાવાયા નથી જેથી તેઓ આ અંગે તપાસ કરી રહ્યા છે. અત્યાર સધીમા રોકડ અને જવેલરી મળીને કુલ 40 કરોડ સુધી આંકડો પહોંચી ગયો છે ત્યારે હજુ પણ કાર્યવાહી ચાલુ છે તેથી આ આંકડો વધી પણ શકે છે.
અમદાવાદમાં ચિરિપાલ ગ્રુપ પર દરોડા પડ્યા છે તો બીજી તરફ બંગાળમાં પણ ED ના દરોડા દરમિયાન નોટોના ઢગલા થયા છે. શિક્ષક ભરતી કૌભાંડને લગતા કેસમાં પશ્ચિમ બંગાળના મંત્રી પાર્થ ચેટર્જીના નજીકના સંબંધીના ઘરે દરોડા પાડ્યા છે. જેમાં 20 કરોડની રોકડ જપ્ત કરવામાં આવી છે. મંત્રી ચેટર્જી સહિત શિક્ષણ રાજ્યમંત્રી પરેશ સી અધિકારી, MLA માણિક ભટ્ટાચાર્યનાં રહેઠાણો પર પણ દરોડા પાડવામાં આવ્યા છે.
અર્પિતાના ઘરે પણ ED ના દરોડા પાડવામાં આવ્યા હતા આ દરમિયાન 20 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે. શિક્ષણ ભરતીકૌભાંડમાં એટલા બધા રૂપિયા મળી આવ્યા કે 500 અને 2000 હજારની નોટો ગણવા માટે કાઉન્ટિંગ મશીન મગાવવા પડ્યા હતા. તો હજુ પણ કાર્યવાહી ચાલી રહી છે.