હાલમાં જ ભાભીજી ઘર પર હૈ ફેમ દીપેશ ભાનનું નાની ઉંમરે અવસાન થતા ટીવી ઇન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છવાયો છે. ત્યારે ફરી એકવાર ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી દુઃખદ સમાચાર સામે આવ્યા છે. મહાભારત જેવા મોટા શોમાં મહત્વની ભૂમિકા ભજવનાર અભિનેતા રસિક દવેનું નિધન થયું છે. તેમણે તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી ફિલ્મ પુત્રવધુ થી કરી હતી.
તમને જણાવી દઈએ કે રસિક દવે ઘણા સમયથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહ્યો હતો. ફિલ્મ આમદની અઠન્ની ખર્ચા રૂપૈયા માં જોની લીવરની પત્નીની ભૂમિકા ભજવનાર કેતકી દવેના પતિ રસિક દવેનું 65 વર્ષની વયે નિધન થયું છે. કેતકી દવે તેના જાણીતા ટોન અરરરરરરર.. ને કારણે ખુબજ પ્રખ્યાત છે.
કેતકી દવેના પતિ રસિક દવેએ 29 જુલાઈની રાત્રે અંતિમ શ્વાસ લીધા હતા. મળતી માહિતી અનુસાર રસિક દવેનું કિડની ફેલ થવાના કારણે મૃત્યુ થયું છે. રસિક દવે લાંબા સમયથી કિડનીની બિમારી સામે ઝઝૂમી રહ્યા હતા અને છેલ્લા બે વર્ષથી તે ડાયાલિસિસ પર હતા. ત્યારે ગત રાત્રે તેમણે અંતિમ શ્વાસ લીધા અને દુનિયાને અલવિદા કહી દીધું.
રસિક દવે ઈન્ડસ્ટ્રીના જાણીતા કલાકારોમાંના એક હતા. તેમણે ઘણી ટીવી સીરિયલ્સની સાથે સાથે કેટલીક ફિલ્મોમાં પણ કામ કર્યું છે. રસિક દવેએ તેની કારકિર્દીની શરૂઆત ગુજરાતી ફિલ્મ પુત્રવધુથી કરી હતી. ત્યારબાદ તેમણે ઘણી ગુજરાતી ફિલ્મોમાં પણ અભિનય કર્યો હતો. આ પછી તેમણે ફિલ્મ માસૂમથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી.
રસિક દવેએ દૂરદર્શનની ફેમસ સીરિયલ મહાભારત માં નંદા નું પાત્ર ભજવ્યું હતું જેને ખૂબ પસંદ કરવામાં આવ્યું હતું. રસિક દવેએ આ પાત્રથી દર્શકોના દિલમાં ખાસ જગ્યા બનાવી હતી. આ સિવાય રસિક દૂરદર્શનના ફેમસ ડિટેક્ટીવ શો બ્યોમકેશ બક્ષી માં પણ જોવા મળ્યા હતા. રસિક તેની પત્ની કેતકી સાથે 2006માં નચ બલિયે માં પણ જોવા મળ્યા હતા.
રસિક દવે છેલ્લે સોની ટીવીની આગામી સીરિયલ એક મહેલ હો સપનો કા માં જોવા મળ્યા હતા. રસિક દવે અને કેતકીને રિદ્ધિ દવે નામની પુત્રી પણ છે. તમને જણાવી દઈએ કે રસિક દવેની પત્ની કેતકી દવે પણ ટીવી અને બોલિવૂડની જાણીતી અભિનેત્રીઓમાંની એક છે. કેતકી દવે સ્ટાર પ્લસના સુપરહિટ શો ક્યૂંકી સાસ ભી કભી બહુ માં જોવા મળી છે. આ સાથે તેણે શાહરૂખ ખાન સાથે ફિલ્મ કલ હો ના હો માં પણ કામ કર્યું છે.