રાજ્યભરમાંથી અવાર નવાર આત્મહત્યાના કિસ્સા સામે આવતા હોય છે ત્યારે હાલ રડાવી દે તેવો બનાવ સામે આવ્યો છે. આ કિસ્સો રાજકોટના ગોંડલમાંથી સામે આવ્યો છે. ગોંડલના કમરકોટડા ગામે રહેતા 23 વર્ષીય યુવક જયેશ જીવરાજભાઈ સરવૈયાએ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર નાપાસ થતા ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે. આ સાથે જ જયેશે આત્મહત્યા કરતા પહેલા એક અઢી પાનની સ્યુસાઇડ નોટ લખી છે જે વાંચીને રડી પડશો.
જયેશે અઢી પાનાની સ્યુસાઇડ નોટ લખી છે. જેમાં તેમણે આત્મહત્યાનું કારણ સ્પર્ધાત્મક પરીક્ષામાં વારંવાર નાપાસ થવું, એક્ઝામના કોઈ ઠેકાણા ન હોવા, વારંવાર પરીક્ષા આગળ ધકેલાવી અને પરીક્ષાની કોઈ ચોક્કસ તારીખ ન હોવાથી ઉભા થયેલા ડીમોટીવેશનને ગણાવ્યું હતું. ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
જયેશ 2019 થી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરી રહ્યો હતો. તેમણે સરકારી નોકરી મેળવવા માટે અનેકવાર સ્પર્ધાત્મક પરીક્ષા આપી પરંતુ ધાર્યું તેવું પરિણામ મળ્યું નહીં. પરીક્ષાના કોઈ ઠેકાણા ન હોવાને કારણે અને પરીક્ષાની કોઈ ચોક્કસ તારીખ ન હોવાથી ઉભા થયેલા ડીમોટીવેશનને કારણે તેમણે ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી દીધુ.
જયેશે આત્મહત્યા પહેલા અઢી પાનાની રડાવી દે તેવી સ્યુસાઇડ નોટ લખી હતી. જેમાં તેમણે લખ્યું છે કે એક્ઝામના કોઈ ઠેકાણા નથી, ચોક્કસ તારીખ નથી. હું મેન્ટલી થાકી ગયો છું. જીવનમાં આગળ શું કરવું કઈ નક્કી નથી કરી શકતો. સપના તો ઘણા હતા, સપના પુરા કરવા મહેનત પણ કરી પરંતુ કદાચ મહેનત ઓછી પડી.
જયેશ પોતાના મજૂરી કામ કરતા પિતાને મજૂરી છોડાવીને સારી જિંદગી આપવા માંગતો હતો. એટલા માટે જ તે સરકારી નોકરી મેળવીને પગભર થવા ઈચ્છતો હતો. તેમણે સ્યુસાઇડ નોટમાં આગળ એવું પણ લખ્યું હતું કે મારી મુશ્કેલીઓમાંથી છૂટવા તમારા સાથે ચિટ ના કરાય એટલે આટલા દિવસ સુધી જીવતો રહ્યો. પરંતુ હવે પુરેપુરો સ્વાર્થી થઇ ગયો છું. બધુંજ તમારા પર છોડીને જઈ રહ્યો છું. તમે મને 23 વર્ષનો કર્યો પણ હું ઋણ ચૂવ્યા વગર જઈ રહ્યો છું. આઈ એમ સોરી!
જયેશે સ્યુસાઇડ નોટમાં લખ્યું કે હવે જીવવાની જરાય ઈચ્છા નથી. હું માનસિક રીતે ખુબજ હેરાન થઇ રહ્યો છું. હવે તો મને બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવાનું વધારે સહેલું લાગે છે. આ સાથે જ એમ પણ કહ્યું કે મારા એકાઉન્ટમાં જે પૈસા છે તે બહેનના લગ્નમાં વાપરજો. આઈ એમ સોરી મમ્મી, પપ્પા, ભાઈ, બહેન..
જયેશે સ્યુસાઇડ નોટમાં પોતાની બે ઈચ્છા પુરી કરવાનું પરિવારજનોને કહ્યું છે. જયેશની પહેલી ઈચ્છા તો એ હતી કે તેના અંગોનું દાન કરવામાં આવે જેથી અન્યને નવું જીવન મળી શકે. અને બીજી ઈચ્છા એ હતી કે મૃત્યુ પામનાર વ્યક્તિની પાછળ કરવામાં આવતી તમામ ક્રિયાઓ ટાળવામાં આવે. બધી ક્રિયાઓમાં કોઈપણ જાતનો ખર્ચ કરવાને બદલે પચ્ચીસ પચાસ વૃક્ષો વાવવામાં આવે. જયેશે પરિવારજનોને તેની આ બે ઈચ્છા પુરી કરવા કહ્યું છે.
આ સાથ જ જયેશે સ્યુસાઇડ નોટમાં અંતિમ શબ્દોમાં લખ્યું કે મને અફસોસ એ છે કે એક સમયે વીર ભગતસિંહ 23 વર્ષની ઉંમરે દેશ માટે ફાંસી પર લટક્યા હતા અને હું મારી જિંદગીથી ભાગીને કંટાળીને આ કરી રહ્યો છું. પરંતુ હું માનસિક રીતે ખુબજ હેરાન થઇ રહ્યો છું જેથી હવે બે મિનિટમાં જિંદગી ખતમ કરી દેવી વધારે સહેલું લાગે છે. આમ કંટાળીને જયેશે આત્મહત્યા કરી લીધી. બિનસચિવાલયની પરીક્ષાનું જયેશનું સપનું અધૂરું રહી ગયું.