દેશમાં સતત વધી રહેલી મોંઘવારીએ સામાન્ય જનતાની મુશ્કેલી વધારી દીધી છે. પેટ્રોલ-ડીઝલ, સીએનસી, રસોઈ ગેસ, શાકભાજી, દૂધ સહિત ખાવા-પીવાની વસ્તુ પણ સતત મોંઘી થઈ રહી છે. એવામાં CNG ના ભાવમાં પણ વધારો થયો છે. ગુજરાતમાં અદાણીએ ફરી એક વખત CNG ના ભાવમાં વધારો કર્યો છે. CNG ગેસના ભાવમાં 1.99 રૂપિયાનો વધારો નોંધાયો છે.
CNG નો જૂનો ભાવ 83.90 રૂપિયા હતો. તે વધારી આજથી નવો ભાવ 85.89 રૂપિયા લાગુ કરાયો છે. આજથી આ નવો ભાવ અમલી થશે. આવામાં એટલુ તો સ્પષ્ટ છે કે, આગામી દિવસોમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં તેજી જોવા મળી શકે છે. જેથી નાગરિકોના ખિસ્સા પર અસર પડશે. મોંઘવારીને કારણે જનતા ત્રાસી ગઈ છે.
હાલ જીવન જરૂરિયાતની દરેક વસ્તુઓના ભાવ પણ આસમાની સપાટીએ પહોંચી ગયા છે. રોજિંદી ખાદ્ય ચીજ-વસ્તુઓમાં પણ ભાવ વધારાથી ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોની હાલત કફોડી બની રહી છે. સીટી ગેસ કંપનીઓને અપાતા કુદરતી ગેસને ભાવ ગેઈલ દ્વારા 10.5 ડોલર કરવામાં આવ્યો છે. જે માર્ચ કરતા સાડાત્રણ ગણો અને ગત વર્ષના ઓગષ્ટના ભાવની સરખામણીએ 6 ગણો છે.
હવે ગેસ કંપનીઓ દ્વારા આ બોજ ગ્રાહકો પર ઝીંકવામાં આવે તેવી શકયતા છે. લખનૌમાં સીએનજી-પીએનજી પુરો પાડતી ગ્રીન ગેસ દ્વારા તાત્કાલીક અસરથી ભાવમાં પ્રતિ કિલો 5.3 રૂપિયાનો વધારો ઝીંકી દેવામાં આવ્યો છે. ભારતમાં વર્ષો સુધી પેટ્રોલ-ડિઝલની સરખામણીએ સીએનજીનો ભાવ ઘણો નીચો હતો. જ્યારે છેલ્લા એક વર્ષના ગાળામાં ભાવ તેની હરોળમાં આવવા લાગ્યો છે.
સાતમ આઠમનાં તહેવારો નજીક આવી રહ્યા છે. એવામાં ઓગસ્ટ માસનાં પહેલા જ દિવસે ખાદ્યતેલના ભાવમાં વધારો નોંધાયો છે. દર વર્ષે સાતમ આઠમના તહેવાર પહેલા તેલના ભાવો ભડકે બળે છે. આ વર્ષે પણ આવુ જ થયું છે. સિંગતેલ, પામોલિન તેલના ભાવમાં ફરી એકવાર વધારો થયો છે. સિંગતેલમાં ભાવમાં રૂપિયા 5 થી 10 સુધીનો વધારો થયો છે. નવા ભાવ મુજબ, સિંગતેલના ડબ્બાનો ભાવ 2800ને પાર પહોંચ્યો છે. જ્યારે પામોલીન તેલના ભાવમાં એક મહિનામાં 100 નો વધારો થયો છે.