ગુજરાતને ફરી મેઘરાજા ઘમરોળશે, કઈ તારીખે કયા વિસ્તારમાં વરસાદ થશે ફટાફટ જાણી લ્યો..

Weather

રાજ્યમાં ભારે વરસાદ બાદ હાલ વરાપ નીકળી રહી છે. જો કે છેલ્લા બે દિવસથી કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડી રહ્યા છે. તો કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું છે. રાજ્યમાં વરસાદનો નવો રાઉન્ડ શરૂ થવા જઈ રહ્યો છે ત્યારે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં કેવું વતાવરણ રહેશે અને કેવો વરસાદ થશે તે અંગે આગાહી કરવામાં આવી છે.

મીડિયા અહેવાલ અનુસાર હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદી માહોલ રહેવાની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં બે દિવસ હળવા અને બે દિવસ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં વરસાદના પ્રથમ બે રાઉન્ડમાં સારો વરસાદ વરસ્યા બાદ હવે નવો રાઉન્ડ શરૂ થઇ રહ્યો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં ભરૂચ, નર્મદા અને તાપીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો આ સાથે આવતીકાલે દાહોદ, પંચમહાલ અને મહીસાગરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં હવે ફરીથી વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે આગામી 8, 9, 10 તારીખે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં હાલ વરાપ નીકળી રહી છે. બીજી તરફ અનેક વિસ્તારોમાં વરસાદી વાતાવરણ છવાયેલું છે. આ સાથે જ દાહોદ શહેરમાં આજે વરસાદી વાતાવરણ છવાયું છે તો આસપાસના કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે મેઘરાજાએ મંડાણ કર્યા છે. વરસાદનું આગમન થતા લોકોને ભારે ગરમી અને ઉકળાટથી રાહત મળી છે.

ગુજરાતમાં જુલાઈ મહિનાની શરૂઆતથી જ મેઘરાજાએ માજા મૂકી હતી. જે બાદ વરસાદનું પ્રમાણ વધતા અનેક વિસ્તારોમા ભારે વરસાદ ખાબક્યો છે તો કેટલીક જગ્યાએ વરસાદે તારાજી પણ સર્જી હતી. જો કે છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ વિરામ લીધો છે ત્યારે રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે.

મહત્વનું છે કે રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 70 ટકા વરસાદ વરસ્યો છે. તો હજુ પણ ઓગસ્ટ અને સપ્ટેમ્બર મહિનો બાકી છે જેમાં મેઘ તાંડવ થશે. રાજ્યના અનેક વિસ્તારોમાં સારો વરસાદ વરસ્યો જેથી જળાશયો, નદી અને કુવામાં નવા નીર ભરાયા છે. તો ભારે વરસાદને પગલે 55 ડેમ હાઇએલર્ટ પર મુકાયા છે.

રાજ્યમાં જુલાઈ મહિનામાં સરેરાશ જેટલો વરસાદ વરસવો જોઈએ તેના કરતા 41 ટકા વધુ વરસાદ નોંધાયો છે. જુલાઈ મહિનામાં વરસાદે છેલ્લા 50 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સૌથી વધુ વરસાદ કચ્છમાં 117 ટકા, દક્ષિણ ગુજરાતમાં 82 અને સૌરાષ્ટ્રમાં 62 ટકા વરસાદ નોંધાયો છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો 70 ટકા વરસાદ વરસી ચુક્યો છે તો હજુપણ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં વરસાદ થશે.

Leave a Reply

Your email address will not be published.