ગિરનારની તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલું છે. કહેવાય છે કે આ સ્થાન પર ભગવાન શિવ સ્વયંભૂ પ્રગટ્યા હતા. ભવનાથ મંદિરમાં બે શિવલિંગ છે. નાનું શિવલિંગ સ્વયંભૂ છે. જ્યારે મોટા શિવલિંગની સ્થાપના અશ્વત્થામાએ કરેલી છે. જૂનગાઢમાં દર વર્ષે ભવનાથ મહાદેવ મંદિરે મેળાનું આયોજન કરવામાં આવે છે.
જુનાગઢ શહેરથી ભવનાથ 7 કિલોમીટર દુર આવેલું છે. પ્રસિધ્ધ ગિરનાર પર્વતમાળાની તળેટીમાં વસેલું આ ગામ હિંદુ અને જૈન ધર્મના અનુયાયીઓ માટેનું યાત્રાસ્થળ છે. અહીં ભવનાથ મહાદેવનું મંદિર મૃગીકુંડ તથા અનેક પુરાણ પ્રસિધ્ધ મંદિરો આવેલાં છે. સમ્રાટ અશોક દ્વારા અહીં બંધાવાયેલું સુદર્શન તળાવ ઐતિહાસિક સ્થળ ગણાય છે.
ગિરનાર પર્વત પર ચઢવા માટેનાં પગથીયાં અહીંથી શરૂ થાય છે. અહીં અનેક નામી અનામી હિંદુ અને જૈન ધર્મશાળાઓ આવેલ છે જે યાત્રિકોને માટે રહેવા-જમવાની સુવિધાઓ પુરી પાડે છે. મહાશિવરાત્રીનો મેળો તથા ગિરનારની લીલી પરિક્રમા એ અહીં યોજાતા બે મોટા ઉત્સવો છે. એક વખત શિવજી કૈલાસમાંથી ગિરનાર ક્ષેત્રમાં આવ્યા અને સ્થળ પસંદ પડતા તપ કરવા બેસી ગયા. તેઓએ આ વાત પાર્વતીને ન કરી.
પાર્વતીને કૈલાસમાં શિવજી ન મળ્યા. વર્ષો વીતી જતા પાર્વતીજી અકળાયા. નારદજીને શિવજીને શોધવા મોકલ્યા. ભોળાનાથ ગિરનારમાં હોવાનું માલૂમ પડતા માતા પાર્વતી અહીં આવ્યાં અને તપ કર્યું. બાદમાં 33 કોટી દેવતા આવ્યાને તેમણે પણ તપ કર્યું. આખરે શિવજી સ્વયભૂં ભવનાથના રૂપમાં પ્રગટ થયા હતા. આવી રીતે પાર્વતીજીનું શિવજી સાથે મિલન થયું.
મહાભારતનું યુદ્ધ થયું તેને 5000 વર્ષ થયા હોવાનું મનાઇ રહ્યું છે. આમ આ જગ્યા 5000 વર્ષ જૂની હોવાનું માનવામાં આવી રહ્યું છે. એવું કહેવાય છે કે ગરવા ગિરનાર પર નવ નાથ, 64 જોગણી, 84 સિદ્ધ અને 52 વીરનાં બેસણાં છે. છેલ્લે 2001માં આવેલા ભૂકંપ પછી મંદિરનો ફરી જીર્ણોદ્ધાર કરાયો હતો. જેમાં મંદિરના અમુક ભાગમાં તિરાડો પડી ગઈ હતી.
ભવનાથ મંદિરમાં હજારો ભક્તો દર્શને આવે છે. કહેવાય છે કે અહીં ભોળાનાથ પાસે માથું ટેકાવવાથી દરેક મનોકામના પૂર્ણ થાય છે. અહીં સ્વયંભૂ ભોળાનાથ પ્રગટ થયા હતા. તેથી અહીં દરેક ભક્તોની મનોકામના પૂર્ણ થાય છે. ભક્તો પુરી શ્રદ્ધાથી અહીં આવે છે અને દર્શન કરીને ધન્યતા અનુભવે છે.