તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો સૌ કોઈનો પ્રિય રહ્યો છે. આ શોના ઘણાં અભિનેતાએ અલવિદા કહી દીધું છે. એવામાં ફરી એકવાર ચાહકોને ઝટકો લાગે તેવા સમાચાર સામે આવ્યા છે. ટૂંક સમયમાં જ આ શોમાં ટપ્પુની ભૂમિકા ભજવતો રાજ અનડકટ શોને અલવિદા કહેશે. રાજ અનડકટે પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે.
ભવ્ય ગાંધીએ શોમાં 9 વર્ષ ટપુનું પાત્ર ભજવ્યું હતું. ત્યારબાદ તેણે શોમાંથી વિદાય લીધી. ભવ્યના ગયા પછી રાજ 2017 માં તારક મહેતા શોમાં એન્ટર થયો. જ્યારે હવે રાજ આ શો છોડવા માંગે છે. ચાહકોના મનમાં સવાલ ઉઠી રહ્યા છે કે રાજના શો છોડવા પાછળનું કારણ શું છે? રાજના ગયા પછી ટપુનું પાત્ર કોણ ભજવશે?
રાજ અનડકટે એક ઈન્ટરવ્યુંમાં તેની સાથે જોડાયેલી વાયરલ ખબરો પર વાત કરી હતી. ઇન્ટરવ્યૂમાં રાજને શો છોડવા પર સવાલ પૂછવામાં આવ્યો હતો. રાજે જવાબ આપતા કહ્યું કે મારા ફેન્સ, મારી ઓડિયન્સ, મારા વેલ વિશર્સ, બધાને ખબર છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવામાં ખુબ હોશિયાર છું. આવાનારા દિવસોમાં હું જે પણ નક્કી કરીશ તે અંગે ફેન્સને જણાવીશ. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે બધાને ખબર પડી જશે.
રાજ અનડકટ ઘણા સમયથી શો છોડવાના નિર્ણય અંગે વિચાર કરી રહ્યો હતો અને તેણે પ્રોડક્શન હાઉસ સાથે વાત પણ કરી હતી. તેમની વચ્ચે આ અંગે વાતચીત પણ થઈ હતી. જ્યારે આ બાબતે રાજને પૂછવામાં આવતું ત્યારે તે વાત ગોળ-ગોળ ફેરવી દેતો. થોડા દિવસો પહેલા જ રાજે પોતાના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલમાં બોલિવુડ સ્ટાર રણવીર સિંહ સાથેનો ફોટો શેર કર્યો હતો. આ ફોટામાં તે રણવીર સિંહની સાથે ખૂબ ખુશ દેખાઈ રહ્યો છે.
શોમાં ફરી એકની એક્ઝિટથી લોકો શોક થઈ ગયા છે. શો પર ભિડે માસ્ટરનું પાત્ર ભજવી રહેલા મંદાર ચંદવાડકરે રાજ અનડકટના શોને છોડવાની વાત પર જવાબ આપતા કહ્યું હતું કે, આર્ટિસ્ટ તરીકે અમને ખબર નથી કે તેણે શો છોડ્યો છે કે નહી પરંતુ સ્વાસ્થ્ય સંબંધી કેટલીક સમસ્યાઓને લીધે તે છેલ્લા ઘણા દિવસોથી શો માટે શૂટિંગ કરી રહ્યો નથી. મેં તેને ઘણા દિવસોથી સેટ પર જોયો નથી.